વચનામૃત ગઢડા મધ્યનું - ૨૯
સંવત ૧૮૭૯ના ફાગણ સુદિ ૮ અષ્ટમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં ઉત્તરાદે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, (૧) શ્રીકૃષ્ણ ભગવાનના સ્વરૂપને વિષે જે ભક્તનું ચિત્ત અતિ આસક્ત થયું હોય તેનાં આવાં લક્ષણ હોય જે પોતે માર્ગે ચાલીને અતિશે થાકી રહ્યો હોય ને બેઠું થાવાની પણ શરીરમાં શક્તિ ન રહી હોય ને તેવા સમામાં કાંઈક ભગવાનની વાર્તાનો પ્રસંગ નીસરે તો જાણીએ એકે ગાઉ પણ ચાલ્યો નથી એવો સાવધાન થઈને તે વાર્તાને કરવા-સાંભળવામાં અતિશે તત્પર થઈ જાય, અથવા ગમે તેવા રોગાદિકે કરીને પીડાને પામ્યો હોય, અથવા ગમે તેવું અપમાન થયું હોય, ને તેવામાં જો એ ભગવાનની વાર્તા સાંભળે તો તત્કાળ સર્વે દુઃખ થકી રહિત થઈ જાય, અને વળી ગમે તેવી રાજ્ય સમૃદ્ધિને પામીને અવરાઈ ગયો એવો જણાતો હોય, અને જે ઘડીએ એ ભગવાનની વાર્તા સાંભળે તો તે ઘડીએ જાણીએ એને કોઈનો સંગ જ નથી થયો. એવો થકો તે ભગવાનની વાર્તા સાંભળવામાં સાવધાન થઈ જાય, એવી જાતનાં જેને વિષે લક્ષણ હોય તેને એ ભગવાનને વિષે દૃઢ આસક્તિ થઈ જાણવી. (૧)
૨ પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, (૨) એ ભગવાનને વિષે એવી દૃઢ આસક્તિ શા થકી થાય છે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, કાં તો પૂર્વજન્મનો એવો અતિ બળિયો સંસ્કાર હોય અથવા જે સંતને ભગવાનને વિષે એવી દૃઢ આસક્તિ હોય તેને સેવાએ કરીને રાજી કરે એ બેયે કરીને જ ભગવાનને વિષે એવી દૃઢ આસક્તિ થાય છે, પણ એ વિના બીજો ઉપાય નથી. (૨) ઇતિ વચનામૃતમ્ ।।૨૯।। (૧૬૨)
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૨) છે. તેમાં પહેલું કૃપાવાક્ય છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે થાકી રહ્યો હોય, પીડાને પામ્યો હોય, અપમાન થયું હોય તથા સમૃદ્ધિમાં અવરાઈ ગયો હોય, તોપણ અમારી વાત સાંભળવામાં સાવધાન થઈ જાય તે ભક્તને અમારે વિષે દૃઢ આસક્તિ જાણવી. (૧) બીજામાં પૂર્વનો બળિયો સંસ્કાર હોય અથવા એવી આસક્તિવાળા સંતની સેવાથી દૃઢ આસક્તિ થાય છે. (૨) બાબતો છે.
૧ પ્ર. પહેલી બાબતમાં શ્રીકૃષ્ણ ભગવાનના સ્વરૂપને વિષે જે ભક્તનું ચિત્ત અતિ આસક્ત થયું હોય એમ કહ્યું તે શ્રીકૃષ્ણ કોને જાણવા ?
૧ ઉ. શ્રીકૃષ્ણ નામે શ્રીજીમહારાજે પોતાને કહ્યા છે તે ‘હરિવાક્ય-સુધાસિંધુ’ના તરંગ (૧૬૮)માં કહ્યું છે જે :
सांप्रतं त्विह सर्वेषां भवतां सुदृढामति: । मय्येव कृष्णोडयमिति तत्कार्या मदुपासना ।।૨૩।।
मच्चरित्राणि ज्ञेयानि श्रोतव्यानि च सादरम् । मम ध्यानं विद्यातव्यं स्मर्त्तव्यं मत्कृकोत्सवा: ।।૨૪।।
महासभासु मद्वार्ता: कृतं भक्तैयर्मदर्चनम् । साधुसंतर्पणं चापि स्मर्त्तव्यं मत्कृतं मुहु: ।।૨૫।।
एवं विघ्घतो यूयं मद्भक्तेस्तु प्रतापत: । देहांते परमं धाम मदीयं प्राप्स्यथ ध्रुवम ।।૨૬।।
स्वरुपानंदनामासीत् पुरा साधुमदाश्रित: । आत्मदर्शी स देहांते प्रारब्धादति-दुख्यड्भूत् ।।૨૭।।
ततस्तदग्रे वार्तेयं मया स्थित्वा स्वयं कृता । तदा म हित्वात्मध्यानं मम ध्यानरतोडभवत् ।।૨૮।।
सघ: शांति तत: प्राप्य देहं हित्वा स भौतिकम् । मद्धाम प्राप परमं यूयं भजत मां तत: ।।૨૯।।
આ સમયમાં તો આ લોકને વિષે આ શ્રીજીમહારાજ શ્રીકૃષ્ણ છે એ પ્રકારે તમારે સર્વેને અમારે વિષે અત્યંત દૃઢ મતિ કરવી ત્યાર પછી અમારી ઉપાસના કરવી. (૨૩) અને અમારાં ચરિત્ર આદર સહિત સાંભળવાં, ગાવવાં, જાણવાં અને અમારું ધ્યાન કરવું અને અમે કરેલા ઉત્સવ સંભારવા. (૨૪) અને મોટી સભાને વિષે અમોએ કરેલી વાર્તાઓ તથા ભક્તોએ કરેલી અમારી પૂજા અને અમોએ વારંવાર સંતોને જમાડ્યા એ આદિ અમારી લીલા તેને વારંવાર સંભારવી. (૨૫) આ પ્રકારે કરતા એવા તમો અમારી ભક્તિના પ્રતાપથી દેહને અંતે સર્વોત્કૃષ્ટ એવું અમારું ધામ તેને નિશ્ચય પામશો. (૨૬) અને અમારા આશ્રિત સ્વરૂપાનંદ સ્વામી તે પ્રથમ આત્મદર્શી હતા તે દેહના અંત સમે અતિ દુઃખી હોતા હવા. (૨૭) ત્યારપછી તેમના પાસે બેસીને અમોએ ઉપર કહેલી અમારા ચરિત્ર સંબંધી સર્વ વાર્તા કરી ત્યારે તે આત્માનું ધ્યાન ત્યાગ કરીને અમારું ધ્યાન કરવું તેમાં પ્રીતિવાળા હોતા હવા. (૨૮) ત્યાર પછી તત્કાળ શાંતિ પામીને ભૌતિક જણાતા દેહનો ત્યાગ કરીને અમારું સર્વોત્તમ અક્ષરધામ તેને પામતા હવા તે જ હેતુ માટે તમે સર્વે પણ અમારું ભજન કરો તો અમારા ધામને પામશો. (૨૯) ।।૨૯।।